..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Friday, March 07, 2008

..*.. સંગીત ..*.. (5)

....ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave.


રાગસંગીત : રાગસંગીતનો પ્રારંભ ઈ.સ.ની પાંચમી કે છઠ્ઠીસદીમાં માતંગમુનિથી થયો છે. માતંગમુનિએ બ્રહદદેશીય ગ્રંથમાં સૌ પ્રથમ સમય સમયનાં રાગ બાંધી આપ્યાં છે. એ પછી દશમી સદી પછી સારંગદેવે સંગીતરત્નાકરમાં આ પધ્ધતિને વિશેષ શુધ્ધ રીતે પ્રચલિત કરી હતી. આ પરંપરાનો વિશેષ પ્રચાર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવસંપ્રદાયે કર્યો છે.
રાગનો સમય : હિંદુસ્તાની સંગીતમાં દરેક રાગને ગાવા માટે નિશ્વિત સમય મુકરર થયેલ છે. નિશ્વિત સમયે તે રાગ ગાવાથી વિશેષ રીતે શોભી ઊઠે છે. સમય ઉપરાંત કેટલાંક રાગો ઋતુ પ્રધાન મનાય છે.
વાદી સ્વરોનાં રાગનો સમય : રાગોનાં વાદીસ્વર સપ્તકના પૂર્વાંગમાં હોય તેવાં રાગો દિવસનાં ૧૨ થી રાત્રીનાં ૧૨ સુધી ગવાય છે અને જે રાગોનો વાદી સ્વર સપ્તકના ઉતરાંગમાં હોય તેવાં રાગો રાત્રીનાં ૧૨ થી દિવસનાં ૧૨ સુધી ગવાય છે.
સ્વર સાથે રાગનાં સમયનો સંબંધ : ૧) જે રાગમાં રે, ધ કોમળ હોય એવાં રાગો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ગવાય છે. સૂર્યોદય સમયે ગવાતા રાગોમાં શુધ્ધ મધ્યમ પ્રબળ હોય છે. સૂર્યાસ્ત સમયે ગવાતાં રાગોમાં તીવ્ર મધ્યમ પ્રબળ હોય છે. આ બંને પ્રકારનાં રાગોને સંધિ પ્રકાશ રાગો કહે છે. ૨) જે રાગમાં રે, ધ શુધ્ધ હોય તેવાં રાગોમાં દિવસ અને રાત્રીનાં બીજા પ્રહરમાં ગવાય છે. જે રાગોમાં ગ, નિ કોમળ હોય તેવાં રાગો દિવસ અને રાત્રીનાં ત્રીજા પ્રહરમાં ગવાય છે.
પરમેલ પ્રવેશક : કોઈ એક થાટનાં રાગોનો ગાવાનો સમય પૂરો થયા પછી બીજા થાટનાં રાગો ગાવાનો સમય શરૂ થાય છે, તે બંને થાટનાં સ્વરો જે રાગમાં આવી જાય તે રાગને પરમેલ પ્રવેશક કહે છે.
ગીત : મધુર સ્વરોમાં તાલયુકત સુંદર કર્ણપ્રિય શબ્દરચનાને ગીત કહેવાય છે. ગીતનાં જુદાં જુદાં વિભાગને અવયવ કહે છે. સામાન્ય રીતે ગીતનાં સ્થાયી અને અંતરા બે જ અવયવ છે.
સ્થાયી : ગીતનાં પ્રથમ પહેલાં ભાગ કે જેનાં સ્વરો મોટે ભગે મન્દ્દ અને મધ્ય સપ્તકમાં હોય છે, તેને સ્થાયી કહે છે.
અંતરા : ગીતનો બીજો ભાગ કે જેનાં સ્વરો મોટે ભાગે મધ્ય અને તાર સપ્તકમાં હોય છે, તેને અંતરા કહે છે.
સંચારી અને આભોગ : અમુક ગીત પ્રકારમાં અંતરા પછીનો ભાગ કે જે મન્દ્ અને મધ્ય સપ્તકમાં વિશેષ ગવાય છે, સંચારી અને સંચારી પછીનાં ગીતનાં ભાગમાં તાર સપ્તકનો ઉપયોગ થાય છે, તેને આભોગ કહે છે.
પ્રબંધ : શાસ્ત્રીયસંગીતનાં ગીતના પ્રકારોને પ્રબંધ કહે છે.
લય : સંગીતમાં સમયની એક સરખી ગતિને લય કહે છે. ૧) વિલંબિત : એકદમ ધીમી લય, ૨) મધ્ય : વિલંબિત લય કરતાં બમણી ઝડપથી ગવાતી લય, ૩) દ્રુત : મધ્ય લય કરતાં બમણી ઝડપથી ગવાતી લય, - એવાં ત્રણ પ્રકાર છે. તાલનું પ્રધાન ચલન લય છે.
માત્રા : લયને માપવાનું સાધન માત્રા છે. એક, દો, તીન, ચાર અથવા ધા, ધા, ધિં, તાં બોલ માત્રાને પ્રકટ કરવા માટે નિયુકિત કરવામાં આવેલ છે. એક સરખી લયમાં જ્યારે તાલી આપીએ છીએ ત્યારે બે તાલી વચ્ચેનાં સમયનાં અંતરને, અથવા મનુષ્યની નાડી જેટલાં સમયમાં બે વાર ચાલે એટલાં અંતરને અથવા તો એક સેકન્ડનાં સમયને એક માત્રા મનાય છે. જરૂરીયાત પ્રમાણે તેની સમયમર્યાદાને વધુ-ઓછી કરી શકાય છે.
તાલ : સંગીતની ગતિ માપવાનું સાધન તાલ છે. માત્રાની જુદી જુદી સંખ્યામાં સમ, ખાલી તાલી, તાલી અને ખંડ ઈત્યાદિ નક્કી કરેલ રચનાથી તાલ બને છે. સંગીતનો પ્રાણ તાલ છે. તાલઃ ‘કાલ ક્રિયામાનમ્’ અર્થાત્ સમય, માન કે માપ તાલ છે. તાલ આઘાત આપવાનું અને ભિન્નતા પ્રદર્શિત કરવાનાં મુખ્ય બે કાર્ય કરે છે. તાલ માટે એક દોહો પ્રસિધ્ધ છેઃતાલ રાગકો મૂળ હૈ, વાધ તાલકો અંગ;દોનો સંજોગ જબ હોત હૈ, ઉઠત અનેક તરંગ.
સમ : તાલીની પહેલી માત્રાને સમ કહે છે. ગાયનમાં સૌથી વધુ વજન સમ ઉપર આવે છે. સમનું સ્થાન ભિન્ન ભિન્ન હોય છે. તાલનો પ્રાણ સમ છે
ખાલી : તાલમાં સમ પછીનું વજન ખાલી આવે છે. તાલનાં કુલ માત્રાનાં બે ભાગ કરી બીજ ભાગની પહેલી માત્રા ઉપર ખાલી આવે છે. તાલનાં કુલ માત્રાનાં તાલોમાં એકથી વધુ ખાલી પણ હોય છે. અપવાદરૂપ કોઈ તાલની શરૂઆત ખાલીથી જ ગણાય છે, ત્યારે તાલીની સમ અને ખાલી બન્ને પહેલી માત્રા ઉપર ગણાય છે.
તાલી : સમ અને ખાલી સિવાય પણ ગીતની બીજી માત્રાઓ પર વજન આવે ત્યાં તાલી અપાય છે.
વિભાગ અથવા ખંડ : તાલમાં આવતી તાલી અને ખાલી પ્રમાણે દરેક તાલમાં ખંડ કે વિભાગ પડે છે. જયાં જયાં તાલી અને ખાલી આવે એ દરેક જગ્યાએ જેટલી માત્રા આવે એટલી માત્રાનાં દરેક વિભાગ કે ખંડ બને છે


વધુ આવતા અંકે………..

No comments:

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!